Feeds:
Posts
Comments

વ્હાલા ચીનુકાકાને શબ્દાન્જલિ..

એ આવેલું
પહેલા પણ.
ક્યારેક અંધકાર બનીને,
ક્યારેક ફફડાટ બનીને,
તો ક્યારેક મૂંઝારો બનીને.
પણ ઈર્શાદ હરવખત,
શબ્દોના પથ્થર ફેંકી એને ભગાડી દેતો.
તો ક્યારેક કલમથી એનું માથું વાઢી નાખે…!

વળી હમણાં-હમણાં તો એ-
ટપાલી બનીને પણ આવતું.
ગુજરી ચૂકેલા સ્વજનો-મિત્રોનો કાગળ લઈને;
નિમંત્રણ આપવા.
પણ,ઈર્શાદ એને દાદ ના આપે.
એકાદ ગઝલ સંભળાવી રવાના કરીદે..!
છેલ્લા કેટલાક સમયથી એની ઘૂસણખોરી વધી ગઈ હતી.
આ વખતે એ પોતાનું વિશાળ સૈન્ય લઈને આવેલું.
પ્રથમ તો કિડ્નીપર અને પછી લીવરપર કબ્જો કરી લીધો.
અને ધીમે ધીમે ઉપર ચડ્યું.
હૃદયપર કબ્જો આપે તો ઈર્શાદ શેનો..!
એટલે એને ચાલાકી પૂર્વક પોતાના સૈન્યને મગજ સુધી પહોંચાડી કમાન પોતાના હાથમાં લઇ લીધી.
એ છતાં ઈર્શાદે હાર ના માની;
અને હૃદયના બંકરમાંથી શ્વાસની ગોળી છોડવાનું કામ ચાલુ રાખ્યું..!

છેવટે એ આવ્યું-
એક પ્રકાશપુંજ બનીને.
અને ઈર્શાદ કોઈ પણ જાતની આનાકાની કર્યાવગર ચાલી નીકળ્યો-
અંતિમ સફરે…!

-રાધિકા પટેલ-

alvida irshaad-Radhika patel

gaam

ગામ
ગામની સીમે ઉભું ખેતર હતું
રોટલીનું,શાકનું એ ઘર હતું
રોજ સીટી મારતું પાદર હતું
સાંજના પગમાં ખરું ઝાંઝર હતું
આભ એના કારણે સદ્ધર હતું
સાવ વચમાં ચાંદનું ઝાંઝર હતું
હેલ આવે ગોઠડી કરવા અહીં;
સ્મીત કરતુ એટલે સરવર હતું
હાથથી તોડી શકાતા તારલા;
ઝાડ એવું ખાટલા ઉપર હતું
-રાધિકા પટેલ-

dukaan

દર્દમાંથી બનાવેલ સામાન છે
ખોટમાં ચાલતી એક દૂકાન છે.

વેચવા ના કશું,ફક્ત છે સજાવટો;
ખોટમાં ચાલતી તોય દૂકાન છે

એટલે ભય નથી.ચોર શું ? લૂંટ શું ?
દ્વાર પર દર્દ પોતે જ દરવાન છે.

આંસુના દામ ઊંચા ખરીદે ય કોણ ;
ખાઇ ગમ,ચાલતું રહેલ ગુજરાન છે.

શક્ય છે તું ય આવી ખરીદી કરે;
રાહ જોયા કરું, હું’ય નાદાન છું.

કોકદી’ પાકશે ઈશ્વર નામથી;
એક વીમો ખરો,હાલ નુકસાન છે.

-Radhika patel-

aag-aaswad

કવિ-લેખક-નાટ્યકાર શ્રી ચિનુમોદી ઉર્ફે ઈર્શાદ (પણ આમારા તો ચીનુકાકા જ )ના હસ્તાક્ષરમાં. મારા સાહિત્ય સર્જન વિષે થોડું.મારી કવિતાને મળેલા આશીર્વાદ.ખૂબ-ખૂબ આભાર વ્હાલા ચીનુકાકા. હું કાવ્યક્ષેત્રમાં એટલી બધી ઓતપ્રોત થઇ જાવ છું ઘણીવાર નિરાશાઓથી ઘેરાયેલી પણ હોવ છું પણ જેનાપર ચીનુકાકા,મિસ્કીનસાહેબ,યોગેશ જોશી,પ્રવીણ પંડ્યા,ધીરૂપરીખ જેવા વડીલોના આશીર્વાદ હોય એને કાવ્ય સિવાય પછી કોઈ નિસ્બત ના રહે.આ વડીલો એવા છે જે મને માર્ગદર્શન આપવા સાથે વિવેચન દ્વારા ટકોર પણ કરે છે.અને હું એનો સહર્ષ સ્વીકાર કરી એમાં આગળ કામ કરવા ઉત્સુક પણ રહું છું.

ગુજરાત ગાર્ડીયનમાં એમની કોલમ રચનાનો રસ્તો” માં એમને મારા કાવ્યનો કરેલ આસ્વાદ તથા મારા સાહિત્યસર્જન વિષે થોડી વાતો…!!

“રચનાનો રસ્તો”
નવું નક્કોર નામ:રાધિકા પટેલ
બહુ વર્ષો પછી એકવાર સાહિત્ય પરિષદના ત્રીજા મળે આવતી બુધસભામાં જ વાનું થયું હતું.એકાદ દોઢ વર્ષ પહેલા બકાઠાકોર આવી કવિસભામાં પ્રવેશતા જ કહેતા : આટલા બધા કવિઓ..!! મારે મન તો ગુજરાત જેવા ધીરુભાઈના રિલાયન્સ શેરમાં રમમાણ રહેનાર ગુજરાતીઓમાં આવી સભામાં મરીઝના શેર માણનારા અને એ રસ્તે ચાલવા ઇચ્છનારા જણાય તો બહુ રાજી થાવ. ધીરુ પરીખ,પ્રફ્ફુલ રાવલ, પ્રવીણ પંડ્યા, હર્ષદ ત્રિવેદી જેવા કેટલાક જુના ચહેરા બાકી બધા નવા નક્કોર. જુદી જુદી વયના જ નહિ જુદા જુદા વ્યવસાયનાં સ્ત્રીપુરુષો અહીં હતા. એક તરફ 70 વટાવી ચૂકેલા તથાગત પટેલ હોય તો હજુ લબરમૂછિયો પાર્થ પ્રજાપતિ પણ હોય. મરદ મૂછાળા પ્રતાપસિંહ ડાભી પણ હોય અને નાજુક ‘રાધિકા પટેલ’ કે જીગ્ના પણ હોય.
રાધિકાને પહેલી વાર તો બુધસભામાં જોયેલી હવે એ અમારી શનિસભામાં પણ નિયમિત આવે છે.અને શબ્દ સાથે ઘરોબો બાંધવાની ઉત્કટ ઈચ્છા પણ ધરાવે છે જે એની વાતે-વાતે દેખાય.એ જોતજોતામાં છંદ શીખી ગઈ અને મારી વાત માની વિધવિધ સામાયિકોમાં કવિતા છપાવતી પણ થઇ ગઈ.એની ધગશના લીધે ખુબ થોડા સમયમાં એ કવિસંમેલન અને મુશાયરાઓના નિમંત્રણ પણ મેળવતી થઇ ગઈ. નવનીતસમર્પણથી માંડી કવિતા સુધી બધે છપાતી રહી. ગાવાનો શોખ પણ એને છે એને કેવળ ગૃહિણી બની નથી જીવવું.પટેલોમાં જન્મજાત હોય છે એવા ખંતથી એને શબ્દક્ષેત્ર ખેડવું છે.

આ કવયિત્રીએ નવલકથા પણ લખી છે એ કેવળ અછાંદસ જ નથી લખતી પણ ગીત-ગઝલ લખવા પણ સતત માથામાં કરતી જ રહે છે. આ બીજને વડીલો મુશાયરા અને કવિસંમેલનોના સંચાલકો વધારે પડતું પાણી ના સીચે તો “વટવૃક્ષ” થવાની એની ક્ષમતા છે. એનું એક અછાંદસ કાવ્ય જોઈએ..-

“આગ ”
નજીકના જંગલમાં ફાટી નીકળી છે આગ.

સુકાય ગયેલા આ ઘાંસનો તો ઠીક છે થઇ જશે આજે –
અંતિમસંસ્કાર.
પણ આ લીલાછમ ઝાડનું શું ?
અને એના પર બાંધેલા
આ અનેક પંખીઓના માળાનું શું ?
જંગલનો આ રાજા તો પત્થરની ગુફામાં જઈ-
બચાવી લેશે પોતાની જાતને.
પણ,આ તરસનો ભાર લઇ દોડતાં નિર્દોષ હરણાં-
શું પહોંચી શકશે કોઈ નદી સુધી …?
ક્યાંથી આવી આ આગ?
કોણે લગાવી આ આગ ?
શું સૂર્ય અહીં પોતાનો બળાપો કાઢી ગયો ?
કે પોતાની છાતીપર વિશાળ દરિયો
અને મોઢાપર લીલુંછમ સ્મિત રાખતી-
આ પૃથ્વીથી ના જીરવાયો આ ભીતરનો લાવા.
અને ઓકી નાખી થોડી આગ…!
પણ,મને તો લાગે છે કે
એ પહેલેથી જ હતી
ચક-મકના બે પત્થરમાં…..!
-રાધિકા પટેલ-(કવિતા નવેમ્બર 2014)
આગ-અગ્નિ-પંચતત્વોમાંનો એક આગ અરણ્યમાં ઝડપથી અને આકસ્મિક લાગતી હોય છે. અહીં રાધિકા કઈ આગની વાત કરે છે-વનની આગની કે મનની આગની ? આ આગ આકસ્મિક નથી એમ છેલ્લી પંક્તિમાં કહેવાયું છે.આવો પહેલા વનમાં લાગતી આગની વ્યથા કથા જાણીયે.
જંગલમાં અચાનક આગ લાગી એથી સૂકું બળે એનો તો શો વાંધો હોય ? પણ, લીલુંછમ બળે એ તો ક્યાંનો ન્યાય ? લીલુંછમ ઝાડ એકલું આગની લપેટમાં નથી આવતું. ઝાડની પોતાની દેશ જેવી વિધવિધ પ્રકારની વસ્તી છે. જાડું પણ જ્વલનક્ષમ થડ છે લીલીછમ ડાળીઓ છે અને એથી પણ વધારે તો હૃદય દ્રવે એવા પંખીઓના માળા છે.આ સહુ પણ આગની લપેટમાં આવી જાય છે. જે બળવાન છે એને તો શો વાંધો છે ? સિંહ તો પથ્થરની ગુફામાં આગ લાગે ત્યારે સલામત સ્થળે છુપાઈ રહેતા હોય છે. સવાલ તો તરસ્યા હરણનો હોય છે. તરસનો ભાર લઇ માંડ દોડતા હરણનો હોય છે.એ નદી સુધી પહોંચશે ? એની રાધિકાને-ગૃહિણીને-નારીને ચિંતા છે.હવે, આ દારુણ ઘટના સર્જાઈ આગથી. પણ, આ આગ લગાડી કોણે ? આગ અહીં લીલાછમ વન સુધી આવી પહોંચી ક્યાંથી? રાધિકા તર્ક પર સવારી કરે છે અને કહે છે કે એવું તો નથી ને કે સૂર્યે અહીં પોતાનો બળાપો કાઢ્યો ? પૃથ્વીતો માં છે એના ખોળામાં સમુદ્ર છે.અરણ્ય એટલે કે વૃક્ષોનું લીલુંછમ હાસ્ય છે.એ પૃથ્વીનો ભીતરનો લાવા આ આગનું કારણ તો નથી ને ?પણ છેવટે રાધિકા શોધી કાઢે છે કે આ આગ આકસ્મિક નથી કોઈ બીજાએ લગાવી નથી.આગ પ્રગટાવવાને સક્ષમ ચકમક ઝરતા પથ્થર-બે-પથ્થર તો પહેલેથી જ હતા…!
આ પથ્થર એટલે પતિ-પત્ની ? તન-મન ? તમે જાણો. ..!!

bhint

ભીંત કોણે ખખડાવી।. .?”
ભીંત ખખડી એટલે ઓરડાનું આખું તંત્ર સાબદું થઇ ગયું।
પડદો ખુલે છે।
દ્રશ્ય-1
છતના ન્યાયાધીશપદ નીચે ઓરડામાં અદાલત ભરાણી છે। લૅમ્પ, એસી,પલંગ,પંખો ઓરડામાં મોજુદ બીજો ઘણો ય સામાન ત્યાં મોજુદ હતો.અરીસાને વકીલ તરીકે પેશ કરવામાં આવ્યો અદાલતની કાર્યવાહી શરુ થઇ
જજ: ભીંત કોણે ખખડાવી ? અરીસા…તમે શું કહો છો પોપડીનો પોસ્ટમાર્ટમ રિપોર્ટ શું કહે છે ?
અરીસો:મીલોડ।..(છતના હાથમાં રિપોર્ટ આપતા।. ) અસલી ગુનેગાર વિષે તો આપણે ખાલી અનુમાન જ લગાવી શકીયે,પકડી નથી શકતા આ રિપોર્ટ પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે દીવાલ ખખડી એનું કારણ આ બારી જ છે જોકે બારીએ પોતે આ કામ નથી કર્યું પણ એ નિમિત્ત તો ખરી જ
જજ:આવું તમે કઈ રીતે કહી શકો કે બારી જ જવાબદાર છે ?
અરીસો:મીલોડ મારી પાસે કેટલાક સાક્ષી છે જેને હું પુરાવા તરીકે રજુ કરવાની પરવાનગી માંગુ છું.
જજ:તમને પરવાનગી છે
અરીસાએ બલ્બને સાક્ષી તરીકે રજુ કર્યો
અરીસો:બલ્બ,અદાલતને તમે જણાવી શકશો કે દીવાલ કોણે ખખડાવી ?
બલ્બ:સાહેબ મને તો લાગે છે દીવાલ ખખડાવવાનું કામ આ સૂરજનું જ છે.
જજ:તમે કઈ રીતે કહી શકો ?
બલ્બ: હા,આ કાયમ ખુલ્લી રહેતી બારીમાંથી જ સૂરજ ઓરડામાં પેસી જાય છે। એના જ પ્રકોપે ચારેય ભીંતોને પરસેવો છૂટી ગયો જેને કારણે પોપડી ખરી ગઈ એટલે મારી દ્રષ્ટિએ તો સૂરજ જ ગુનેગાર છે.ભીંત સૂરજે જ ખખડાવી છે સાહેબ। .!!
(ત્યાં જ એસી પણ અધ્વચ્ચે બોલી ઉઠ્યું।.”હા। ..સૂરજ જ ગુરનેગાર છે ”
જજે હથોડી પછાડી શાંતિની અપીલ કરી
જજ:અદાલતની કાર્યવાહીમાં ખલેલ પંહોચાડવો નહિ (એસી તરફ ઈશારો કરી)તમને બોલવાનું કહે ત્યારે જ બોલવું
એસી એની જગાપર ચુપચાપ બેસી ગયું
અરીસો:મીલોડ હવે,હું પંખાને એક સાક્ષી તરીકે રજુ કરવા માંગુ છું
જજ: તમને પરવાનગી છે
પંખો કઠેડામાં ઉભો છે
અરીસો: તમે અદાલતને બતાવી શકશો કે તમે આ ઓરડામાં શું શું જોયું ?
પંખો:સાહેબ મેં ઘણીવાર પવનને બારી વાતે ઘૂસી જતા જોયો છે અને આખો ઓરડો ઘમરોળી નાખે છે ભીંત સાથે પછડાઈ પછડાઈ એને મેલથી રગદોળી દે છે એના કારણે જ આ પોપડી ખરી ગઈ હશે ગુનેગાર પવન જ છે
ત્યાંજ અધ્વચ્ચેથી એસી બોલી ઉઠ્યું। “.હા,પવન જ ગુનેગાર છે..”
જજે ફરી હથોડી પછાડી શાંતિ માટે અપીલ કરી અને એસી ચુપચાપ બેસી ગયું
અરીસો:મીલોડ હવે હું સાક્ષી તરીકે પલંગને પેશ કરવાની પરવાનગી માંગુ છું
જજ: પ્લીઝ,બોલાવો
પલંગને કઠેડામાં રજૂ થયો
પલંગ: મીલોડ ઘણીવાર સોળે કળાએ ખીલેલો ચંદ્ર અને તારા સાથે આખું ય આભ બારીમાંથી અંદર ઘૂસી જાય છે અને બિચારી ઊંઘને દુશાશનની માફક ચોટલો તાણી બારી બહાર ખેંચી જાય છે। એ જ કારણે ભીંત ધ્રુજી ઉઠી હશે અને પોપડી ખરી ગઈ હશે .મેં તો કેટલીય વાર પથારીને કણસતી જોઈ છે અહીં। ચોળાઈ ગયેલી ચાદરમાં એના નિશાન પણ મોજુદ છે મીલોડ। . એટલે આ આકાશ જ ગુનેગાર છે
ત્યાં જ ઓરડાની સાથેના અટેચ બાથરૂમમાંથી કોઈનો અવાજ આવ્યો
અરીસો:મીલોડ બાથરૂમમાંથી શાવર પણ આના વિષે કૈક કહેવા માંગે છે પણ એ એના ઓંજલમાંથી જ બોલશે એવી એની માંગણી છે
જજ:પરવાનગી છે
શાવર: (બાથરૂમમાંથી) ખરેખર તો ગુનેગાર વરસાદ પણ છે જે દીવાલપર જોરજોરથી ઝીંકાય છે બારીમાંથી વાંછટ અંદર આવે છે અને ઓરડાની બધી જ વસ્તુ પર ભેજ બાઝી જાય છે બસ આ જ કારણે પોપડી ખરી ગઈ છે
એસીએ વચ્ચે ટાપશી પુરી..”સૌ સાચી વાત। .”
જજ અને અરીસાએ એસી સામે આંખો કાઢી અને એસી ચુપચાપ બેસી ગયું
અરીસો: મીલોડ,બધા સાક્ષીઓની વાત સાંભળી એ તો સ્પષ્ટ છે કે ગુનેગાર કોઈ પણ હોઈ શકે -સૂરજ,ચંદ્ર,તારા,આકાશ,વરસાદ કે પવન. જે આવી આવીને ભીંત ખખડાવી જાય છે અને એના જ કારણે આ પોપડીઓ ખરે છે .પણ,એ લોકોને અહીં અંદર ઘૂસવા દેવા માટે જવાબદાર।.(બારી તરફ આંગળી ચીંધી-બારાડીને।..) એ ફક્ત બારી જ છે…!! તો મીલોડ મારી દરખાસ્ત છે આ બારીને યોગ્ય સજા થવી જ જોઈએ
જજ:તમામ પુરાવા અને સાક્ષીઓને સાંભળ્યા પછી અદાલત એ નિર્ણય પર પહોંચી છે કે ભીંત ખખડાવીને પોપડીઓ ખેરવવાના ગુના હેઠળ સૂરજ,ચંદ્ર,તારા,આકાશ,વરસાદ અને પવનને જેલ ભેગા કરવા માટે બારીને ઈંટો દ્વારા ચણી દેવી। ..!!અદાલતની કાર્યવાહી અહીં પુરી થાય છે
પડદો પડે છે
દ્રશ્ય-2
પડદો ખુલે છે
છતની આગેવાની નીચે ફરી અદાલત ભરાણી છે.અરીસો ફરી વકીલ બન્યો છે। એક તરફ ઓરડાનો સઘળો સામાન છે અને બીજી તરફ એક ભીંત છે જેના પર એક સુંદર સ્ત્રીની છબી ટીંગાડવામાં આવી છે
જજ: (હથોડી પછાડી) અદાલતની કાર્યવાહી શરુ કરો
અરીસો:મીલોડ કોર્ટના ઓર્ડર પછી બારીની જગા પર દીવાલ ચણી દેવામાં આવી છે જે તમે જોઈ શકો છો .સૂરજ,ચંદ્ર,તારા,આકાશ,પવન અને વરસાદના ઓરડામાં પ્રવેશ પર નિષેધ મૂકી દીધા પછી પણ ભીંત ખખડવાનું ચાલુ જ રહ્યું છે એટલે ઓરડાની શાંતિ માટે આજે ફરી અદાલત ભરવામાં આવી છે

જજ: તો તમને શું લાગે છે ભીંત કોણ ખખડાવે છે ?
અરીસો: મીલોડ બધા પુરાવા પરથી શંકાની સોય ભીંત પર ટીંગાડેલી છબી પર જાય છે
જજ: અરીસા..તમે કેવી વાત કરો છે એ છબી તો સ્થિર છે એ કેવીરીતે ભીંત ખખડાવી શકે
અરીસો:મીલોડ, એ જ તો ને। ..આમ તો છબી પર શંકા ના કરી શકાય પણ મારી પાસે એના પુરાવા છે જે હું એક પછી એક રજુ કરીશ જો પરવાનગી હોય તો
જજ:તમને પરવાનગી છે
બલ્બને ફરી કઠેડામાં ઉભો કરવામાં આવ્યો
અરીસો: બલ્બ,તું અદાલતને કહીશ કે તે તારી આંખોથી શું જોયું છે ?
બલ્બ: ચોક્કસ…સાહેબ..મેં મારી સગી આંખે જોયું છે કે આ છબીમાં જે સ્ત્રી છે એના કપાળમાં લાલઘૂમ સૂરજ છે જેના થકી આખી દીવાલ જીવંત થઇ ઉઠે છે આકાશનો સૂરજ તો ખસી-ખસી આથમી પણ જાય પણ એનો સૂરજ તો ત્યાં ને ત્યાં હવે તમે જ કહો આવા સૂરજને ધારણ કરતી દીવાલ થોડી સ્થિર રહે। .?એટલે એના કપાળનો સૂરજ જ છે જે દીવાલ ખખડાવે છે.

બીજા સાક્ષી તરીકે ફરી પંખાને કઠેડામાં બોલાવવામાં આવ્યો
અરીસો:પંખા।.તું શું જાણે છે આ ભીંત કોણ ખખડાવે છે ?
પંખો: મને તો લાગે છે કે આ છબીમાં સ્ત્રીનો પાલવ છે એનું જ આ કામ હોવું જોઈએ। .મેં મારી સગી આંખે જોયેલો છે એને ફરકતા। ..ઓરડામાં એના કારણે જ વાવાઝોડું પણ આવેલું અને આખો ઓરડો અસ્તવ્યસ્ત થઇ ગયેલો અને એના કારણે જ દીવાલ ખખડી હશે

ત્રીજા સાક્ષી તરીકે છત્રી અને રેઈનકોટને રજૂ કરવામાં આવ્યા
અરીસો:તો અદાલત એ જાણવા આતુર છે કે દીવાલ કોણ ખખડાવે છે ?
છત્રી-રેઇનકોટ: અમને તો લાગે છે કે આ કામ છબીમાંની સ્ત્રીના કમર સુધી લંબાયેલા કાળાભમ્મર વાદળોનું છે। જે વરસાદ ઝાટકે છે ઓરડામાં અને પછી આખો ઓરડો પાણી-પાણી। ..એના કારણે જ ભીંતને ઠંડી ચડી જાય છે અને ભીંત ધ્રુજી ઉઠે છે

ચોથા સાક્ષી તરીકે ઓરડામાં મોજુદ રેડીઓની જુબાની લેવામાં આવી
અરીસો:રેડિયા તને શું લાગે છે આ ભીંત કોણ ખખડાવે છે ?
રેડીઓ: મને તો લાગે છે કે ક્યારેક એના ઝુમખા દીવાલ સાથે અથડાય છે તો ક્યારેક એ જાણી જોઈને પોતાની ચૂડી દીવાલ સાથે અથડાવે છે અને એના કારણે દીવાલને ગલીપચી થાય છે અને દીવાલ ખખડે છે
પાંચમા સાક્ષી તરીકે ઓરડામાં મોજુદ રહેતા ટીવીની પૂછપરછ શરુ થઇ
ટીવી:મને તો લાગે છે કે અસલી ગુનેગાર એની આંખો છે જેના જંગલમાં શિકારી ફરતા જ રહે છે જે ગમે ત્યારે આરામ,ઊંઘનો શિકાર કરે છે એના કારણે જ ભીંત ભયથી કાંપતી રહે છે।

 

જેલ જેવી લાગે છે તારી બંધ બારી;
કેદ અમને રાખે છે તારી બંધ બારી.
એક પંખી બેસી રહેતું ગોખલે એમ;
આભ જેની પાસે છે તારી બંધ બારી.
કાલ જોયો વરસાદ-રડતો ધોધમાર;
ભીંત થઈને વાગે છે તારી બંધ બારી.
કોણ જાણે બારી એ-બારી છે કે કાતર ?
રોજ ઈચ્છા કાપે છે તારી બંધ બારી.
એક સાથે આખી ગલીમાં ઘોર અંધાર;
ફૂંક કેવી મારે છે તારી બંધ બારી.
પૂછ બારીને કોક’દી એનીય મરજી;
જોઇ-એ પણ કાંપે છે તારી બંધ બારી